નિયમિતતા એ જ લક્ષ્ય.........
v નવતર પ્રયોગ કરનાર:- નારાયણભાઈ કે.પટેલ ( વરતોલ પ્રા.શાળા,તા-ખેડબ્રહ્મા )
v સમસ્યા વર્ણન -
સાબરકાંઠા જીલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો એ અરવલ્લીની ટેકરીઓ પથરાએલો છે. ખેડબ્રહ્માથી ૫ કીલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલું છે. આજુબાજુના ૩ કીલોમીટરના વિસ્તારમાંથી બાળકો વરતોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. ડુંગરાળ પ્રદેશની પગદંડીનો ઉપયોગ કરી બાળકો ચાલીને શાળાએ આવે છે. આ બાળકો સામાજિક,આર્થિક,ભૌગોલિક કે વાલીઓની વ્યક્તિગત સમસ્યાઓના કારણે શાળામાં અનિયમિત આવતા. બાળકોને નિયમિત કરવા વારંવાર મૌખિક સૂચનાઓ,શિક્ષકો દ્વારા તંદુરસ્ત વાલીસંપર્ક,એસ.એમ.સી દ્વારા મુલાકાત,શૈક્ષણીક કાર્ય દરમ્યાન સતત પ્રોત્સાહન આપવા છતાં ખાસ પરિણામ મળ્યું નહિ. તેથી બાળકોમાં નિયમિતતાનો ગુણ સ્વયં કેળવાય તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
v રૂપરેખા -
મુલ્ય શિક્ષણના ઘટક તરીકે નિયમિતતા એ સફળ શિક્ષણનો મુખ્ય આધાર છે. બાળકની નિયમિતતાએ શિક્ષણના કોઈપણ હેતુ સિદ્ધ કરવા માટેની મહત્વની બાબત છે. સૌ પ્રથમ બાળકોની નિયમિતતા વધારવા માટે પ્રાર્થના સંમેલનને વિવિધતાસભર અને રસપ્રદ બનાવવામાં આવ્યું. બાળકોની પ્રાર્થના સંમેલનમાં નોધ લેવાય અને પોતાની પ્રશંશા થાય તે ગમે છે. બાળકોને એવી સૂચના આપવામાં આવી કે જે દિવસે જે ધોરણના બાળકોની ૧૦૦ % હાજરી હશે તે ધોરણના તમામ બાળકોને ‘આજનો સૂરજ’ નું બિરુદ તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ અને અભિનંદન આપવામાં આવશે. તે ઉપરાંત શાળાના ડિસપ્લે બોર્ડ પર અન્ય બાળકો વાંચી અને પ્રેરણા લઇ શકે તે માટે “આજના સુરજને ૧૦૦ % હાજરી બદલ ખૂબ ખૂબ અભિનદન” લખવામાં આવે છે. વધુમાં બીજા દિવસના પ્રાર્થના સંમેલનમાં અગાઉના દિવસે ૧૦૦ % હાજર રહેનાર ધોરણના તમામ બાળકો અને વર્ગશિક્ષકનું કંકુ-તિલક અને ત્રણ તાલીથી અભિવાદન કરવામાં આવે છે. હવે આ પ્રકારના પ્રયોગથી જે ધોરણમાં જે બાળકો અનિયમિત હતા તે બાળકોને તે જ ધોરણના બીજા બાળકો ઘરે જઈ મિત્રભાવે સમજાવી શાળામાં લાવે છે અને ૧૦૦ % હાજરી કરે છે. આ માટે દરેક ધોરણો વચ્ચે સ્પર્ધા પણ થાય છે. સમગ્ર માસ દરમ્યાન ૧૦૦ % હાજરી ધરાવાતા ધોરણને ‘આ માસનો સુરજ’ નું બિરુદ પણ આપવામાં આવે છે. આ રીતે આ પ્રયોગનો દૈનિક અને માસિક રેકર્ડ પણ નિભાવવામાં આવે છે. છેલ્લે સત્રવાર ૧૦૦ % હાજરી ધરાવતા બાળકોને હાજરી પ્રમાણપત્ર/અભિનંદનપત્ર તથા ઇનામ આપી સન્માન કરવામાં આવે છે. આમ આ પ્રયોગથી બાળકોની નિયમિતતામાં વધારો જણાઈ રહ્યો છે..........
v મૂલ્યાંકન -
૧. બાળકોની દૈનિક હાજરીનું પ્રમાણ
૨. શિક્ષકો તથા બાળકો સાથે ચર્ચા.
૩. વાલીઓનો અભિપ્રાય.
૪. બાળકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ.
v પરિણામ -
૧. અનિયમિત કે ગેરહાજર રહેનાર બાળકોને સહપાઠી દ્વારા શાળામાં લાવી શકાયા છે.
૨. શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધેલ છે.
૩. બાળકો-બાળકો વચ્ચે એકતા,સંપ,સહકાર,ભાઈચારની ભાવના પેદા થઇ છે.
૪. ૧૦૦ % હાજરીના દિવસે બાળકો ઉત્સાહમાં જોવા મળે છે.
૫. આ પ્રયોગથી સરેરાશ ૧૦ થી ૧૫ % હાજરીમાં વધારો થયેલ છે.
v હાલની સ્થિતિ -
હાલમાં શાળા કક્ષાએ આ પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલે છે. અભિનંદન કે પ્રોત્સાહન આપવાની નવીન પદ્ધતિથી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો,વાલીઓ અને સ્થાનિક સ્રોતોનું ધ્યાન કેન્દ્રિત થયેલ છે. આમ આ પ્રવૃત્તિ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક ચાલી રહી છે......
![]() |
| ડિસપ્લે બોર્ડ |

No comments:
Post a Comment